ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર આ વખતે અનેક કટ્ટરપંથી પક્ષો પર નિર્ભર છે. તેમણે મંત્રાલયોની વહેંચણી પણ એ જ આધારે કરી છે કે, યહૂદી વિચારધારાને કેવી રીતે વધુ કટ્ટર બનાવી શકાય. એટલે મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી એવા લોકોને અપાઈ છે, જે કટ્ટરવાદી છે અને આધુનિકતાના વિરોધી છે. આ સરકારે રાષ્ટ્રીય મિશન મંત્રાલય નામે એક નવું મંત્રાલય પણ બનાવ્યું છે. તે મંત્રાલય જોશે કે, સ્કૂલમાં યહૂદી સમર્થિત ઇતિહાસ ભણાવાય અને તેમની વિરુદ્ધ કશું જ ના જણાવાય. જોકે, અગાઉ સ્કૂલોનો અભ્યાસક્રમ શિક્ષણ મંત્રાલય નક્કી કરતું હતું. હવે તો રાષ્ટ્રીય મિશન મંત્રીને જ યહૂદીઓ વિરુદ્ધ થતા આંદોલનોનો સામનો કરવાની જવાબદારી સોંપાઇ છે.
ઈઝરાયલ સરકારનો વિરોધ કરનારા કહે છે કે, આ નવું મંત્રાલય યહૂદીવાદી છે. રાષ્ટ્રીય મિશન મંત્રાલયનું નેતૃત્વ કટ્ટર જમણેરી નેતા ઓરિટ સ્ટ્રોક કરશે. એવી જ રીતે, હેરિટેજ મંત્રાલય પણ અમિહાઇ એલિયાહૂને સોંપાયું છે. બિન-યહૂદીઓનું કહેવું છે કે, હવે એલિયાહૂ ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરશે. તેઓ બિન-યહૂદીઓની ઐતિહાસિક ઇમારતો માટે ખતરો બની શકે છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ વિવાદિત મસ્જિદની મુલાકાત લીધી
ઈઝરાયલના કટ્ટર જમણેરી નેતા અને દેશના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી બેન ગિવરે અલ અક્સા મસ્જિની મુલાકાત લીધી હતી. હાલ યહૂદીઓને અહીં સીમિત પ્રવેશ છે. ઈઝરાયલી મંત્રીના મસ્જિદમાં જવાથી તણાવ વધ્યો છે. હકીકતમાં યહૂદીઓનું કહેવું છે કે, જે સ્થળે આજકાલ અલ અક્સા મસ્જિદ છે, ત્યાં એક સમયે મંદિર હતું, જેને મુસ્લિમોએ ખંડિત કરીને મસ્જિદ બનાવી છે. તેઓ અહીં ફરી મંદિર બનાવવાની વાત કરે છે. પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસે ચેતવણી આપી હતી કે, અલ અક્સા મસ્જિદને લઇને ઈઝરાયલનું કોઇ પણ પગલું અત્યંત ગંભીરતાથી લેવાશે.