કુવાડવા નજીકથી સોમવારે સવારે પરપ્રાંતીય શ્રમિકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કુવાડવાના શખ્સને ઝડપી લીધો હતો, પરપ્રાંતીય શ્રમિકે ગાળો ભાંડતા તેને પતાવી દીધાની આરોપીએ કબૂલાત આપી હતી.
મધ્યપ્રદેશના અલીરાજપુરના સોંડવા તાલુકાના ગામનો વતની પાકટિયા ઉર્ફે વિનોદ પાંડવીભાઇ ગેદરિયા (ઉ.વ.35) કુવાડવાના મઘરવાડામાં ખેતમજૂરી કરતો હતો, સાથેસાથે સેન્ટ્રિંગનું અને ભંગારની ફેરીનું પણ કામ કરતો હતો. સોમવારે સવારે કુવાડવા નજીક વાંકાનેર ચોકડી પાસેથી પાકટિયાની લાશ મળી આવી હતી અને લોહીના ડાઘવાળો ધોકો પણ પોલીસને મળી આવ્યો હતો.
આ હત્યામાં કુવાડવાના વેલનાથચોકમાં રહેતા મહેશ રામજી બાહુકિયા (ઉ.વ.30)ની સંડોવણી હોવાની માહિતી મળતાં કુવાડવા પોલીસે મહેશને ઉઠાવી લીધો હતો, પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં મહેશે કબૂલાત આપી હતી કે, હત્યા થઇ તે સાંજે મહેશે નશાખોર હાલતમાં માથાકૂટ કરી હતી અ્ને તે ગાળો ભાંડવા લાગ્યો હતો, ત્યારબાદ પાકટિયા ઉર્ફે વિનોદ આગળ જઇને મહેશની રેંકડીમાં સુઇ ગયો હતો, ત્યારે રેંકડીમાંથી ઉભા થવાનું કહેતા ફરી ઝઘડો થયો હતો અને મહેશે પાકટિયાને માથામાં ધોકો ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.