અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોમવારે રાત્રે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે જે પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે, તેના પર અમેરિકા સાથેના વેપારમાં 25% ટેરિફ લગાવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ પડશે. જોકે, વ્હાઇટ હાઉસ તરફથી આ ટેરિફ અંગે સત્તાવાર દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો નથી.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો ચાલુ છે. આ પ્રદર્શનોમાં લગભગ 600 લોકો માર્યા ગયા છે.
ઈરાન પર અમેરિકા પહેલાથી જ કડક આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાન સાથે વેપાર કરનારા મુખ્ય દેશોમાં ચીન, સંયુક્ત અરબ અમીરાત અને ભારતનો સમાવેશ થાય છે. ટેરિફ લાગુ થવા પર આ દેશોના અમેરિકા સાથેના વેપાર પર અસર પડી શકે છે.
ઈરાનમાં છેલ્લા 17 દિવસથી સરકાર અને સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈ વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પ્રદર્શનો આર્થિક સંકટથી શરૂ થઈને હવે સત્તા વિરુદ્ધ પહોંચી ગયા છે.
અમેરિકાના માનવાધિકાર સંગઠન HRANA અનુસાર, પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 599 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.