રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગત 30 જાન્યુઆરીના રોજ મંગેતર સાથે ફરવા આવેલા યુવકની ડેકીમાંથી 2 લાખ રૂપિયા ચોરી થયા હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી આરોપી પરેશ જોશીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ પત્નીને કેન્સરની બીમારી હોવાથી સારવાર માટે ચોરી કર્યાની કબૂલાત આપી છે.
વેપારી મંગેતર સાથે રેસકોર્સ ફરવા આવ્યા હતા
રાજકોટ શહેરમાં રહેતા કારખાનેદાર વિમલભાઇ જયેશભાઇ સાવલીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 29 જાન્યુઆરીના રોજ મારે રૂપિયાની જરૂર હોય જેથી મારા મામા પંકજભાઇ સખિયા પાસેથી રૂ.2 લાખ લીધા હતા અને મેં એ રૂપિયા મારી એક્ટિવાની ડીકીમાં રાખ્યા હતા. પછી મારી મંગેતર સાથે હોટલમાં જમવા ગયો હતો. રાત્રે નવેક વાગ્યે બહુમાળી ભવન સામે રેસકોર્સની અંદર પાર્કિંગમાં એક્ટીવા પાર્ક કર્યુ હતું. જે પછી અમે રેસકોર્સમાં ફરી રાત્રે 11 વાગ્યે પાછા અમારા એક્ટીવાએ આવતા ડીકીમાંથી પાણીની બોટલ કાઢી હતી ત્યારે રૂપિયાની થેલી જોવા ન મળતા ચોરી થયાની જાણ થઇ હતી અને ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર મામલે કારખાનેદારની ફરિયાદ પરથી પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મહત્વની કડી મળતા રૈયા રોડ પર ચંદન પાર્કમાં જય અંબે મકાનમાં રહેતા પરેશ જશવંતભાઇ જોશીને પકડી પાડવામાં આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાની કબૂલાત આપતા તેની પાસેથી કુલ 2 લાખ રોકડ કબ્જે કરી વાહન મળી કુલ 2.25 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.