અમદાવાદમાં ગાંધીનગરને જોડતો એક વૈશ્વિક કક્ષાનો આઈકોનિક રોડ બની રહ્યો છે, જે પ્રદૂષણથી મુક્ત અને ટ્રાફિકથી મુક્ત તો હશે જ. તેની સાથોસાથ હાઈફાઈ ગાર્ડનને પણ ટક્કર આપે એવી થીમ સાથે તૈયાર કરાશે. આ આઈકોનિક રોડને અર્બન લંગ્સ રોડ તરીકે વિકસાવવામાં આવશે, જે શહેરી વિકાસનું પણ અનોખું ઉદાહરણ બનશે. અમદાવાદના ચાંદખેડાના વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીનો 3.5 કિ.મી.નો રોડ જોગિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, ફૂડ કિઓસ્ક, પ્લાઝા અને ડિસેબલ-ફ્રેન્ડલી સુવિધાઓ સાથે અમદાવાદ-ગાંધીનગરને જોડશે.
જો આ રોડની વિશેષતાની વાત કરીએ તો તેને ઝીરો પોલ્યુશન અને ઝીરો ટ્રાફિકની નીતિથી જીઓમેટ્રિક ડિઝાઇન સાથે ડેવલોપ કરવામાં આવશે. આગામી દિવસોમાં જ રોડ ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાશે.
અમદાવાદમાં વિકાસની નવી ઓળખ બનવા જઈ રહેલો આઇકોનિક રોડ એક અભૂતપૂર્વ શહેરી વિકાસ પ્રોજેક્ટ છે, જેમાં રાઈટ ઓફ વે 90 મીટર અને 108 મીટરની વિશાળ પહોળાઈમાં વિકસાવવામાં આવશે. આ રોડના કેન્દ્રમાં 4 મીટર પહોળી સ્કલ્પ્ચર વૃક્ષો અને પ્લાન્ટેશન સાથેની લીલી પટ્ટી, બંને બાજુએ બફર ઝોનમાં ગ્રીન પેચ અને હાલના 1200 વૃક્ષોની સંપૂર્ણ જાળવણી સાથે 81,500 ચોરસ મીટર વિસ્તારમાં વ્યાપક પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવશે.