વડોદરા આવેલા કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM અને બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે.1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો એ બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલાં ગુજરાત હતું જ નહીં, ગુજરાતની અસ્મિતા પણ નહોતી. નરેન્દ્ર મોદીનો અહંકાર, રાવણનો પણ નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.