રાજકોટ અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં રાજકોટ ભાજપના આગેવાનના યુવાન પુત્રનું મોત નીપજ્યું હતું. આગેવાનનો પુત્ર અમદાવાદથી મિત્ર સાથે કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે કાર રસ્તા પરથી નીચે ઉતરી જઇ નાળામાં ખાબકતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
શહેરના સંતકબીર રોડ પરના નંદુબાગ સોસાયટીમાં રહેતા અને વોર્ડ નં.6ના ભાજપના પ્રભારી રમેશભાઇ પરમારનો પુત્ર વિમલ પરમાર (ઉ.વ.31) શનિવારે તેના મિત્ર સાથે અમદાવાદ ગયો હતો અને રાત્રે બંને મિત્રો રાજકોટ પરત આવી રહ્યા હતા, બંને મિત્રો લીંબડી નજીક બની રહેલા ઓવરબ્રિજ પાસે પહોંચ્યા હતા ત્યારે અચાનક જ વિમલ પરમારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તા પરથી નીચે ઉતરી નાળામાં ખાબકી હતી. કારમાં બેઠેલો જિગ્નેશ નામનો યુવક કારમાંથી બહાર નીકળવામાં સફળ થયો હતો પરંતુ વિમલ પરમારનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
કાર ખરીદવી હોય કાર જોવા માટે વિમલ તેના મિત્ર સાથે અમદાવાદ ગયો હતો અને પરત ફરતી વખતે રસ્તામાં તેને કાળ આંબી ગયો હતો. અન્ય બે ઘટનાઓમાં બાબરિયા કોલોનીના ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા અનિલભાઇ સમેચાની પત્નીએ શનિવારે પુત્રીને જન્મ આપ્યો હતો તેનું બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જ્યારે રૈયાધારની મારવાડી સોસાયટીમાં રહેતા વિષ્ણુ પવારનો પાંચ મહિનાનો પુત્ર અંકિત શનિવારે રાત્રે પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું પણ મૃત્યુ થયું હતું.