રાજકોટ-પડધરી હાઇવે પર રિક્ષા સહિતના વાહનોની રેસ લગાવી કેટલાક શખ્સો જુગાર રમતા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વાહનોની રેસ પર જુગાર રમતાં મોત સે દોસ્તી નામના ગ્રૂપના 14 શખ્સને પોલીસે ઝડપી લીધા છે.પડધરી પોલીસ મથકના પીએસઆઇ જે.જી.ઝાલા સહિતનો સ્ટાફ જામનગર હાઇવે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે તરઘડી ગામ પાસે કેટલાક શખ્સોનું ટોળું જોવા મળતા તુરંત ત્યાં દોડી ગયા હતા. તપાસ કરતા તેઓ વાહનની રેસ પર પૈસા લગાડી જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી પોલીસે રાજકોટના રૈયાધારના વિશાલ વિશુ વાઘેલા, મહેન્દ્ર કેશુ કલાડિયા, રાજુ રઘુ અલગોતર, કિટીપરાના રોહિત મના સોલંકી, કૌશિક ઉર્ફે દેવો કાલુ કુવરિયા, કિસાનપરાના ગૌતમ પ્રવીણ મકવાણા, શિવપરાના વસીમ શબીર કાદરી, મોરબી રોડ પર રહેતા યોગેશ કાનજી ચૌહાણ, ભગવતીપરાના સોહિલ ઉર્ફે ભોલો અરૂણ પરમાર, સાધુવાસવાણી રોડ પર રહેતા ધર્મેશ મનસુખ રાઠોડ, ધર્મરાજપાર્કના પ્રભાત હરિ વાળા, વિજય નારણ સોલંકી, પોપટપરાના અજય દિનેશ સવાસડિયા અને પ્રદીપ રસિક મકવાણાની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.
પોલીસે રોકડા રૂ.42 હજાર, બાઇક, રિક્ષા, કાર સહિત નવ વાહન મળી કુલ રૂ.6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રૈયાધાર મફતિયાપરામાં રહેતા વિશાલ વાઘેલાની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તે બધા મિત્રો ભેગા મળી મોત સે દોસ્તી નામનું ગ્રૂપ ચલાવીએ છીએ. સમયાંતરે જુદા જુદા હાઇવે પર વાહનોની રેસ પર પૈસા લગાડી જુગાર રમીએ છીએ. ગઇકાલે તરઘડીથી રાજકોટ વચ્ચેની રેસ હતી. જેમાં બંને વાહનમાં રૂ.3-3 હજારનો ભાગ લાગ્યો હતો.