એક તરફ સમગ્ર વિશ્વમાં મહિલા-પુરુષોમાં સમાનતા પર ભાર મુકાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ બ્રિટનમાં નાના બાળકોને ભણાવવા માટે પુરુષ શિક્ષકની અછત છે. ખાસ કરીને પ્રી-સ્કૂલમાં આ સમસ્યા વધુ છે જ્યાં માત્ર 3% જ પુરુષ શિક્ષક છે. ત્યાંના પુરુષો નાના બાળકોને શિક્ષણ આપવાને તેઓની સારસંભાળ સાથે જોડે છે. જેને કારણે તેઓ નર્સરી સ્કૂલમાં જવાનું ટાળી રહ્યા છે.
પુરુષ શિક્ષકોના આ અભિગમથી ત્યાંની સરકાર અને વિશેષજ્ઞો પણ દ્વિધામાં છે. તેઓના મતે જો પ્રી-સ્કૂલમાં પુરુષ શિક્ષકોની સંખ્યા નહીં વધે તો તેઓ એ ધારણાને ક્યારેય નહીં તોડી શકે કે બાળકોની સારસંભાળ માત્ર મહિલાઓનું કામ છે. બ્રિટિશ સરકારના મતે નાના બાળકોને શિક્ષણ આપવા માટે પુરુષોની હાજરી સકારાત્મક છે. પરંતુ ઓછા વેતન તેમજ સમાજમાં કામની ઓછી સ્વીકાર્યતાને ડરે પુરુષો શિક્ષક બનવાથી દૂર રહે છે.
પડકારજનક કામોમાં બ્રિટિશ મહિલાઓ પુરુષ સમોવડી
ભલે પુરુષ શિક્ષકો નથી મળી રહ્યા, પરંતુ મુશ્કેલ કામમાં મહિલાઓ પુરુષ સમોવડી છે. 2002 બાદથી ઇંગ્લેન્ડમાં ફાયર બ્રિગેડ વિભાગમાં મહિલા કર્મીની સંખ્યા 1.7%થી વધીને 7.5% પર પહોંચી છે. દેશની એક તૃતીયાંશ પોલીસ અધિકારી પણ મહિલાઓ જ છે.