અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ થકી દેશ-દુનિયામાં સંપૂર્ણ દ્વીપક્ષી વેપાર સંધિઓમાં દેશોને ફેરફાર કરવા મજબૂર કરી દીધા બાદ હવે આ ટ્રેડ વોર વાસ્તવમાં ખાસ ચીનની નીતિને અંકુશમાં લેવા અને વિશ્વ મહાસત્તા તરીકે અમેરિકા માટે વધુ જોખમી ન બને એ દિશામાં ફંટાઈ જઈ હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈનાના યુદ્વમાં પરિણમ્યુ હોવાથી એડવાન્ટેજ ભારત બનતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વિદેશી રોકાણકારોનું કમબેક અને આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામોની સકારાત્મક અસર સાથે બેન્કિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષક તેજીના કારણે અંદાજીત ત્રણ મહિના બાદ બીએસઈ સેન્સેક્સ 79000 પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચર 24000 પોઈન્ટનું અત્યંત મહત્ત્વનું લેવલ પરત મેળવવામાં સફળ રહ્યા હતા.
એક તરફ વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં કમબેક કર્યું અને બીજી તરફ સ્થાનિક સ્તરે જીડીપી ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો તેમજ ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે સમાધાન અને વેપાર કરારો થવાની સંભાવનાને કારણે શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 7.06 લાખ કરોડ વધીને 426.12 લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.20% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.67% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4247 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1168 અને વધનારની સંખ્યા 2918 રહી હતી, 161 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.