સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં આજે એક પિતા દ્વારા દીકરીની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી, ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. એમાં પિતાએ દીકરીને 17 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી.
માતાને બચાવવા સંતાનો પહોંચતાં હુમલો કર્યો
કડોદરામાં સત્યમનગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉં.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરીકામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સૂવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો.
રાત્રીના આશરે અગિયારેક વાગે પરીવાર સાથે જમી પરવારીને બેઠા હતા. ત્યારે પતિ રામનુજ મહાદેવ શાહુંને પત્ની રેખાદેવીએ કહ્યું કે ગરમીનો સમય હોય આપણે પરીવાર સાથે છત ઉપર સુવા જઇશું. એવું કહેતા જ પતિએ ઉપર સુવા નથી જવું આપણે બધા નીચે ઘરમાં જ સુઇ જઇશું એવું કહી પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. કહ્યું હતું કે, મારી સાથે વધારે જીભાજોડી કરશો તો તમને બધાને જાનથી મારી નાખીશ. ત્યારબાદ ઘરની બહાર ચાલ્યા ગયા હતા. થોડીક જ વારમાં હાથમાં મોટુ ધરદાર છરો લઇને ઘરમાં આવ્યા હતા અને કહ્યું કે, આજે હું તને જાનથી મારી નાખીશ તેવું કહીને પરિવાર પર હુમલો કર્યો હતો.
દીકરીને મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા
રામાનુજે હુમલો કરતાં પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યાર બાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો., જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જોકે પિતાના હાથમાં દીકરી આવી જતાં તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા હતા.
દીકરીના ચહેરાના બે ભાગ થઈ ગયા
માત્ર સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. એમાં તેના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી એના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.