ભારતીય પરિવારોએ 10 વર્ષમાં શેરમાર્કેટમાંથી અંદાજે 84 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. રસપ્રદ છે કે તેઓએ શેર્સમાં માત્ર 3% જ રોકાણ કર્યુ છે. અમેરિકન ફાઇનાન્સિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલીના અનુમાન અનુસાર એક દાયકામાં ભારતીય પરિવારોની સંપત્તિમાં અંદાજે રૂ.717 લાખ કરોડનો વધારો થયો છે. તેમાંથી લગભગ 11% ઇક્વિટીમાંથી આવ્યા છે.
રિપોર્ટ અનુસાર જો કંપનીઓના સંસ્થાપકોને જોડી લેવામાં આવે તો ભારતીય પરિવારોએ 10 વર્ષમાં અંદાજે રૂ.819 લાખ કરોડની કમાણી કરી છે. તેમાં ઇક્વિટી શેર્સમાંથી થયેલી આવકનો હિસ્સો રૂ.168 લાખ કરોડ એટલે કે 20% રહ્યો છે. મોર્ગન સ્ટેનલીના રિધમ દેસાઇના રિપોર્ટ પ્રમાણે ભારતીય પરિવાર હજુ પણ ઇક્વિટીમાં ઓછુ રોકાણ કરે છે. આગામી વર્ષોમાં ઇક્વિટીમાં તેમનું રોકાણ વધીને 10%ને આંબી શકે છે.
લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 10 વર્ષમાં સાડા ચાર ગણું વધ્યું છે. માર્ચ 2014 સુધી કુલ માર્કેટ કેપ રૂ.101 લાખ કરોડ હતું, હવે અંદાજે રૂ.437 લાખ કરોડ થઇ ચૂક્યું છે. જેમાં આ વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ રૂ.477 લાખ કરોડનું સર્વોચ્ચ સ્તરે છે. આ હિસાબથી ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરમાર્કેટ છે.