રાજકોટમાં ગુરુવારે વરસાદી વાતાવરણ રહ્યું હતું, પરંતુ માત્ર વરસાદી છાંટા જ પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર કાલથી વરસાદનું જોર ઘટશે. સાર્વત્રિકને બદલે છૂટો છવાયો વરસાદ પડશે. 18 સપ્ટેમ્બરે સાઇકલોનિક સર્ક્યુલેશન બનશે. આ સિસ્ટમના વરસાદનું જોર ઉત્તર-પૂર્વના વિસ્તારમાં વધારે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છુટા- છવાયા વરસાદ પડવાની સંભાવના છે. સતત વરસાદી માહોલ રહેવાને કારણે રાજકોટમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટ્યું હતું.
આ અંગે હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલમાં દિવસભર ઊંચું તાપમાન રહેવાને કારણે સાંજે- રાત્રે વધુ વરસાદ રહે છે. કાલથી વરસાદનું જોર ઘટશે. રાજકોટમાં બુધવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી હતું. જ્યારે ગુરુવારે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી નોંધાયું હતું. વરસાદી માહોલ રહેવાને કારણે બફારો પ્રમાણમાં ઓછો રહ્યો હતો. પવન 12 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત અમરેલી, પોરબંદર, વેરાવળમાં 27 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઊંચું તાપમાન ભાવનગરમાં 30.8 ડિગ્રી રહ્યું હતું. નોંધનીય છે કે, બે વર્ષથી વરસાદની પેટર્નમાં બદલાવ આવ્યો હોવાને કારણે ચોમાસાની વિદાય ઓક્ટોબર માસમાં થાય છે. અન્યથા સપ્ટેમ્બર માસમાં ચોમાસાની વિદાય થતી હોય છે.