રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા સામે પોલીસ ફરિયાદ દાખલ થતા આજરોજ જયંતિ સરધારાએ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી પોલીસ રક્ષણ આપવા માટે માગ કરી છે. તેમના વિરુદ્ધ ખોટી ફરિયાદ PI સંજય પાદરિયા દ્વારા કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે અને સંજય પાદરિયાએ માથામાં હથિયાર માર્યું જ હતું કહી પોલીસે હત્યાની કોશિશની રદ કરેલી કલમ સામે પણ શંકા ઉભી કરી છે. પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર ઉપર ભરોસો છે માટે હું પોલીસ પાસે રક્ષણ માગવા માટે પોલીસ કમિશનર પાસે લેખિત અરજી કરી મારી રજૂઆત કરવા આવ્યો છું. મને પોલીસ રક્ષણ તાત્કાલિક આપવામાં આવે તેવી મારી માગ છે.
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ આજરોજ પોલીસ કમિશનર સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગત તા.25/11/2024ના રોજ હું એક લગ્ન પ્રસંગે શ્યામ પાર્ટી પ્લોટ, મવડી કણકોટ રોડ, રાજકોટ ખાતે ગયેલો ત્યારે રાત્રિના આશરે 8.30 વાગ્યે જુનાગઢ એસ.આર.પી. રીજીયનના પોલીસ ઇન્સ્પેકટર સંજય પાદરિયા મારી પાસે આવેલા અને પોતાની ઓળખાણ આપી અને પોતે નરેશ પટેલની સક્રિય ટીમમાં હોવાનું જણાવેલ હતું. 'તું સમાજનો ગદ્દાર છો' કહી મને મારવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડેલો, પરંતુ આ સંજય પાદરિયાએ મને જીવતો પાછો ન જવા દેવાની ધમકી પણ આપી અને ત્યાંથી દૂર જતો રહ્યો હતો.