પશ્ચિમ બંગાળમાં 8મી જુલાઈએ યોજાનારી પંચાયત ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પણ પૂર્ણ થઇ છે. ટીએમસી ગ્રામપંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ માટે દાખલ કરાયેલાં નામાંકનમાં આગળ રહી છે. 22 જિલ્લાઓમાં 63,229 ગ્રામ પંચાયત બેઠકો માટે સૌથી વધુ 61,591 ટીએમસી ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે, બીજા નંબરે ભાજપ છે જેણે 60% બેઠકો પર 38,475 ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતાર્યા છે. સીપીઆઇએમએ 56% (35,411) બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. જોકે ગ્રામપંચાયતના ઉમેદવારોના મામલામાં કોંગ્રેસ અપક્ષ ઉમેદવારો કરતાં પણ પાછળ રહી ગઈ છે. કોંગ્રેસ દ્વારા 11,774 ઉમેદવારીપત્રો ભરાયાં છે.
કોંગ્રેસ-CPM વચ્ચે સમજૂતી
બંગાળની કેટલીક સીટો પર કોંગ્રેસ-સીપીએમે એકબીજા સામે ઉમેદવારો ઊભા રાખ્યા નથી. આમ આદમી પાર્ટીએ પણ ટીએમસી સાથે ચૂંટણી ન લડવાના ઇરાદાથી પોતાનો કોઇ ઉમેદવાર ઉતાર્યો નથી. એનપીપીએ પણ પંચાયત ચૂંટણીમાં કોઈ રસ દાખવ્યો નથી.
સૌથી વૃદ્ધ: ઉમા રાની મિશ્રા (85 વર્ષ)
‘મેં મારા પતિ સાથે 1993માં પણ એક વખત ચૂંટણી લડી હતી. મારા પતિ 30 વર્ષથી ભાજપના સમર્થક રહ્યા હતા. પશ્ચિમ બડવાન જિલ્લામાં કંકસા પંચાયત સમિતિ હેઠળના અમલઝાદા ગ્રામપંચાયત માટે ભાજપના ઉમેદવાર ઉમા રાની મિશ્રાએ જણાવ્યું હતું. તે પોતાની ઉંમરને લઈને ચર્ચામાં છે. તેમનું કહેવું છે કે, કામ કરવાની કોઈ ઉંમર હોતી નથી.