કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં ફેલાઈ રહ્યો છે. દરમિયાન બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી આ વાયરસની ઝપટમાં આવ્યા છે. આ વાતની જાણકારી ખુદ અભિનેતાએ ટ્વીટ કરીને આપી છે. આ દરમિયાન તેમણે એ લોકોને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવા કહ્યું છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોમાં અભિનેતાને મળ્યા છે. જો કે, અભિનેતા સિવાય તેમના પરિવારના અન્ય કોઈ સભ્યને કોરોનાનો ચેપ લાગ્યો નથી.
અમિતાભ બચ્ચે પોતાના ટ્વીટમાં લખ્યું છે, ‘મારૂં હાલમાં કોવિડ પોઝિટિવ પરીક્ષણ થયું છે. એ તમામ લોકો જેઓ મારી આસપાસ રહ્યા છે. તેઓ કૃપા કરીને પોતાનો ટેસ્ટ કરાવી લે.’ અભિનેતાના આ ટ્વીટ પછી તેમના પ્રશંસકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ ટ્વીટની કોમેન્ટ્સમાં પ્રશંસકો અમિતાભને તેમની તબિયત અંગે પૂછી રહ્યા છે. અનેક ચાહકોએ અમિતાભને પોતાની કાળજી રાખવા અને ઝડપથી સ્વસ્થ થવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં અમિતાભ બચ્ચન ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં વ્યસ્ત છે. તેઓ તેમાં સતત વિવિધ લોકોને મળી રહ્યા છે. અગાઉ 2020માં પણ KBCના શૂટિંગ વખતે જ અમિતાભ કોરોના સંક્રમિત થયા હતા.