વિશ્વભરના દેશ એકસાથે ઘણાં વર્ષોના પ્રયત્નો છતાં અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત અફીણ અને તેના વ્યવસાયને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. 2021માં અફઘાનિસ્તાનના જીડીપીમાં તેનો હિસ્સો 14% કરતાં વધુ હતો. 30 ઓગસ્ટ 2021ના રોજ અમેરિકી દળોએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફીણની ખેતીમાં લગભગ 90% ઘટાડો નોંધાયો છે.
એક તરફ અફઘાન લોકો માટે આજીવિકાનું સંકટ ઊભું થયું છે તો બીજી તરફ દુનિયાભરના દેશોમાં સિન્થેટિક ડ્રગ્સનો કારોબાર ઝડપથી વધી રહ્યો છે. ચીને દુનિયાભરના દેશોમાં ડ્રગ્સના કારોબારમાં કાચા માલની સપ્લાય માટે પોતાનું મજબૂત નેટવર્ક સ્થાપિત કરી લીધું છે. અફઘાનિસ્તાન દ્વારા અફીણની ખેતી પરનો પ્રતિબંધથી દુનિયામાં ચીનનું સિન્થેટિક ડ્રગનું સામ્રાજ્ય નિયંત્રણની બહાર ફેલાવી શકે છે.
અફઘાનિસ્તાન પર અસર : 10 હજાર કરોડનું નુકસાન, 4.50 લાખ લોકો બેકાર
એલ્કીસના ડેવિડ મેન્સફિલ્ડનું કહેવું છે કે અફઘાનિસ્તાનના બે સૌથી મોટા ઉત્પાદક પ્રદેશો હેલમંડ અને નાંગહારમાં અફીણનું ઉત્પાદન લગભગ બંધ થઈ ગયું છે. આ પ્રતિબંધથી અફઘાનિસ્તાન સરકારને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 4.50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. અફઘાનિસ્તાનમાં 90% લોકો ગરીબીમાં જીવવા માટે મજબૂર છે, જ્યારે સમગ્ર વિશ્વમાંથી માનવતાવાદી સહાયના અભાવને કારણે લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.
અમેરિકા પર અસર: ફેન્ટાનીલના કારણે ત્રણ મહિનામાં 200નાં મોત થયાં
અમેરિકામાં 2019માં ડ્રગ્સ ઓવરડોઝના કારણે 70 હજાર લોકોની મોત થઇ હતી. જ્યારે 2021માં મોતને આંકડો એક લાખને પાર પહોંચ્યું છે. 2023માં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ફેન્ટાનાઇલના ઓવરડોઝથી 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ઉત્તર અમેરિકામાં ફેન્ટાનાઇલ ડ્રગ્સની તસ્કરી સૌથી વધુ મેક્સિકન કાર્ટેલ કરે છે. તેમણે પશ્ચિમ યુરોપમાં સ્થિત પ્રોડક્શન હબથી લઇને અમેરિકામાં સિન્થેટિક ડ્રગ્સની સ્મગલિંગ અને રિટેલ નેટવર્ક ઊભું કર્યું છે. યુરોપની મોટા ભાગની લેબ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ બનાવે છે.