Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

શહેરની ભાગોળે કાલાવડ રોડથી ન્યારી ડેમ તરફના રસ્તા પર લગુન્સ રિસોર્ટની સામે આવેલા મેદાનમાંથી કપાસની સાંઠીઓ નીચે છુપાવેલી લાશ મળી આવી હતી. આ લાશ પરપ્રાંતીય યુવકની હતી. પરપ્રાંતીય શખ્સે ઘટનાસ્થળ નજીક આવેલા વરંડામાં રહેતા ચોકીદારની 13 વર્ષની પુત્રીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં સગીરાના પિતાએ પરપ્રાંતીય શખ્સને ઊંધી કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશને છુપાવી દીધી હતી.

ન્યારી ડેમ તરફ જવાના રસ્તે લગુન્સ રિસોર્ટની સામે આવેલા મેદાનમાં કપાસની સાંઠી નીચે લાશ છુપાવાયેલી હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફના કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ અવાડિયા, ગોપાલસિંહ જાડેજા તથા રઘુભા વાળા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે કપાસની સાંઠીઓ દૂર કરતાં જ તાડપત્રીથી વીંટાયેલી લાશ મળી આવી હતી. લાશ મળી તે તાલુકા પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોવાથી મૃતદેહ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રિસોર્ટની સામે આવેલા વરંડામાં ચોકીદારી કરતો ભરત ઉર્ફે સુનિલ રાઠોડ શનિવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં વરંડામાં પોતાની ઓરડીમાં સૂતો હતો ત્યારે કોઇ અવાજ આવતા તે જાગી ગયો હતો અને નજર કરતા જ તેની 13 વર્ષની નિદ્રાધીન પુત્રીના કપડાં એક શખ્સ ઉતારી રહ્યો હતો અને આબરૂ લૂંટવાની કોશિશ કરતો હતો. નજર સામે જ વહાલસોયી પુત્રીની ઇજ્જત લૂંટાતી હોવાનું જોઇ ભરત ઉર્ફે સુનિલે નજીકમાં પડેલો કુહાડો ઉઠાવી કુહાડાનો ઊંધો ઘા તે શખ્સને માથામાં ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ ભરત ઉર્ફે સુનિલે લાશને તાડપત્રીમાં વીંટાળી દીધી હતી અને વરંડાની બાજુમાં આવેલા મેદાનમાં લાશ લઇ જઇ લાશ પર કપાસની સાંઠીઓ નાખી દઇ લાશ છુપાવી દીધી હતી.