ખેડા જિલ્લાના સુણદા અને મહીસાગર જિલ્લાના ભાથલા ગામના 23 જેટલા સગાંસંબંધીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે માતાજીની માનતા પૂરી કરી પાછા તેમના ગામ જઇ રહ્યા હતા તે દરમિયાન ચોટીલા-બગોદરા નેશનલ હાઇવે ઉપર મીઠાપુર પાસે બંધ પડેલી ટ્રક પાછળ તેમનો ‘સુપર કેરી’ નામનો મિની ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ 10 લોકોનાં મોત થયાં હતાં ત્યાર, પછી મોડી સાંજે હૉસ્પિટલમાં ડ્રાઇવરે પણ દમ તોડ્યો હતો. મોટા ભાગે ડ્રાઇવરે રાતે ઉજાગરો કરી લગભગ 350 કિમી સુધી વાહન હંકારતા ઝોકું આવી જવાના કારણે અને ઓવર સ્પીડિંગના કારણે આ અકસ્માત થયાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. મૃતકોમાં 3 બાળકો, 5 મહિલા અને 4 પુરુષ મળી કુલ 11 લોકોનાં મોત થયાં હતાં જેમાં એક જ પરિવારનાં માતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે.
મૃતકોમાં 3 બાળક અને 5 મહિલાનો પણ સમાવેશ
દુર્ઘટનામાં 9 લોકોને ગંભીર ઈજા થઈ હતી અને 4 દર્શનાર્થીને સામાન્ય ઈજા થઈ હતી. ગંભીર ઈજાગ્રસ્તોને અમદાવાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના કારણે કલાકો સુધી હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.અકસ્માતમાં મૃત્યુ પામનાર 11 પૈકી 6 લોકો સુણદા ગામના રહેવાસી છે. જ્યારે અન્ય 3 ભાંથલાના અને એક વ્યક્તિ કપડવંજની છે.સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ખાતે રહેતા માધાભાઇ ઝાલાને પગમાં સોજા આવતા હોવાથી તેમનાં પત્ની રઇબેને પતિની તબિયત સારી થઇ જાય તો ચોટીલા માતાજીના દર્શનની બાધા રાખી હતી. દરમિયાન પતિને સારું થઇ જતાં રઇબેન, તેમના પતિ માધાભાઇ, વિપુલ, તેની પત્ની સોનલ, બે વર્ષની દીકરી અન્ય સગાંસંબંધીઓ મળી લગભગ 18 જણાં સુણદાથી પ્રવીણભાઇ ઉર્ફે પરેશભાઇ કાનાભાઇ ઝાલાના મીની ટેમ્પોમાં બેસી રાત્રે આઠેક વાગ્યાના સુમારે સુણદાથી નીકળી અમદાવાદ પહોંચ્યા હતા.