હિજાબ પ્રતિબંધ પર સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે મુસ્લિમ પક્ષને મહત્ત્વનો સવાલ કર્યો હતો. અરજદારે તર્ક રજૂ કર્યો હતો કે ઇસ્લામના પાંચ મૂળ સિદ્વાંત - નમાજ, હજ, રોજા, જકાત અને ઇમાનનું પાલન અનિવાર્ય નથી. તેના પર કોર્ટે સવાલ કર્યો કે તો પછી મુસ્લિમ મહિલાઓ માટે હિજાબ કેમ અનિવાર્ય છે.
જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેન્ચે ફાતમા બુશરા નામની અરજદારના વકીલ મોહમ્મદ નિજામુદ્દીન પાશાને આ સવાલ કર્યો હતો. પાશા સમજાવી રહ્યા હતા કે ઇસ્લામમાં પોતાના અનુયાયીઓના પાંચ મૂળ સિદ્વાંતોનું પાલન કરાવવાની જબરદસ્તી નથી. આ સિદ્વાંતોનું ઉલ્લંઘન કરવા પર કોઇ સજા મળતી નથી. પાશાએ દલીલ રજૂ કરતા કહ્યું કે સિદ્વાંતોનું પાલન કરવાનું બંધન નથી, એનો અર્થ તે ઇસ્લામમાં જરૂરી નથી તેવો નથી.
સુપ્રીમ કોર્ટે વેધક સવાલ કર્યો હતો કે જો સજાના અભાવમાં મુસ્લિમ ઇસ્લામના પાંચ મૂળ સિદ્વાંતોનું અનિવાર્યપણે પાલન નથી કરતા, તો હિજાબ જેવી ધાર્મિક પ્રથા કઇ રીતે મુસ્લિમ મહિલાઓ માટે અનિવાર્ય ગણી શકાય છે. ત્યાં સુધી કે મુસ્લિમ યુવતીએ શૈક્ષણિક સંસ્થામાં પણ તેને પહેરીને જવું પડે.