શહેર પોલીસે રવિવારે પોલીસ પુત્ર સહિત બે શખ્સને રૂ.13 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ કરતાં મુંબઇનો સપ્લાયર છેલ્લા છ મહિનાથી રાજકોટમાં મુખ્ય પેડલર્સ સહિત 250 યુવકને ડ્રગ્સના વેચાણ અને સેવનમાં ડુબાડી બરબાદ કરી રહ્યાનો ધડાકો થયો હતો. ડ્રગ્સનું પગેરું મુંબઇ સુધી નીકળતાં પોલીસે તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી હતી.
શહેરના કિડવાઇનગર રોડ પર તુલસીબાગ પાસે કારમાં બેઠેલા બે શખ્સને એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે ઝડપી લઇ તલાશી લેતા બંને પાસેથી રૂ.13 લાખનું 130 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ડ્રગ્સ સાથે ઝડપાયેલા મુંબઇના વતની અને છેલ્લા છ મહિનાથી રાજકોટના સાધના એપાર્ટમેન્ટમાં રહેતા બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ અને પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા એઅેસઆઇ રાણા ચિહલાના પુત્ર મોનાર ઉર્ફે ભાણોની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને બે દિવસના રિમાન્ડ પર લઇ તપાસ કરતાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, બ્રિજેશ પાલીવાલ મુંબઇના હાર્દિક નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લઇ આવતો હતો. ત્યારબાદ બ્રિજેશ પોતાની પાસે રહેલા 10-12 પેડલર્સને 10-10 ગ્રામની પડીકી આપતો હતો. તે પેડલર્સ પોતાની નીચે રહેલા પેડલર્સ અને ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સ આપતા હતા. બંને આરોપીના મોબાઇલની તપાસ કરાતા બ્રિજેશ જે ડ્રગ્સ લાવતો હતો.