રાજકોટમાં ગુરુવારે સવારે 7.00 કલાકે જ ગણેશ વિસર્જન શરૂ થઈ ગયું હતું. જે રાત્રીના 9.00 કલાક સુધી વિસર્જન ચાલુ રહ્યું હતું. જોકે સવારે નાની મૂર્તિ ગણેશ વિસર્જન માટે વધારે આવી હતી. જ્યારે મોટી મૂર્તિ સાંજના 4.00 પછી વિસર્જન માટે આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યાનુસાર કુલ 7 સ્થળે 14 કલાકમાં 6328 મૂર્તિ એટલે કે દર કલાકે 452 મૂર્તિ વિસર્જિત થઈ હતી.
આયોજકો ટૂ વ્હિલરમાં, ટેમ્પો, ટ્રકમાં અને લક્ઝુરિયસ કારમાં બાપ્પાને બેસાડીને વિસર્જન માટે લાવ્યા હતા. 10 દિવસની આરાધના બાદ ભક્તોએ ભારે હૈયે વિઘ્નહર્તાને વિદાય આપી હતી અને આખા રસ્તે અગલે બરસ તું જલ્દી આનાના નારા ગુંજી ઉઠ્યા હતા. વિસર્જન સ્થળે કોઇ અકસ્માત ના થાય તે માટે દરેક સ્થળે ડબલ બેરિકેડ મુકવામાં આવ્યા હોવાનું ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી અમિત દવેએ જણાવ્યું હતું. સવારથી રાત સુધી વિસર્જનની કામગીરી ચાલી હતી.