ICCએ મેન્સ T20 વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાનાં 9 શહેરોમાં 1થી 29 જૂન દરમિયાન યોજાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, બંને વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને વેસ્ટ ઈન્ડીઝના બાર્બાડોસ શહેરમાં રમાશે.
T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 20 ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉની બે સીઝનમાં દરેકમાં 16 ટીમ હતી. ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે ભારત 2007માં ટુર્નામેન્ટનું ટાઈટલ જીતી ચૂક્યું હતું.
કેનેડા અને અમેરિકા વચ્ચે ઓપનિંગ મેચ
ટુર્નામેન્ટની શરૂઆતની મેચ હોમ ટીમ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે. આ મેચ 1 જૂને ન્યૂયોર્કમાં જ રમાશે. સેમિફાઈનલ પહેલાં કુલ 52 મેચ રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજની 40 મેચ અને સુપર-8 સ્ટેજની 12 મેચ સામેલ છે.
પ્રથમ સેમિફાઈનલ 26 જૂને ગયાનામાં અને બીજી સેમિફાઈનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 29 દિવસ સુધી કુલ 55 મેચ રમાશે, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત બનશે.
આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમ ભાગ લેશે. 5-5 ટીમને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા પણ આ ગ્રુપમાં છે. ભારત અને પાકિસ્તાન તેમની તમામ મેચ અમેરિકામાં જ રમશે.
ભારતની પ્રથમ મેચ 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે થશે. બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે ન્યૂયોર્કમાં, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે ન્યૂયોર્કમાં અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે ફ્લોરિડામાં રમાશે.