પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ હવે ડ્રગ્સ, તેલ અને અનાજની દાણચોરીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સેનાપ્રમુખ જનરલ સૈયદ અસીમ મુનીરે બ્રિગેડિયરથી લઈને લેફ્ટનન્ટ જનરલ સ્તરના 12 અધિકારીઓ સામે કોર્ટ માર્શલના આદેશ આપ્યા છે. સેનાપ્રમુખે ઈરાન અને અફઘાનિસ્તાન બોર્ડર પરથી દાણચોરી દ્વારા દેશની તિજોરીને નુકસાન પહોંચાડતાં લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
ભારતમાં આતંક ફેલાવવા ડ્રોન દ્વારા ડ્રગ્સ અને હથિયારો સપ્લાય કરતા પાકિસ્તાને પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેમના સેના અધિકારીઓ મોટા પાયે દાણચોરીમાં સામેલ છે. પાકિસ્તાની નાગરિકોની સાથે સાથે હવે આખી દુનિયાની નજર આ બાબત પર ટકેલી છે કે આ અધિકારીઓ સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરાશે. બલુચિસ્તાનના વતની પાકિસ્તાનના વચગાળાના ગૃહપ્રધાન સરફરાઝ બુગતીએ પણ જાહેર મંચ પર આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, અમે આ વાત ઘણા દાયકાઓથી જાણીએ છીએ. જો કે, આ અંગે કોઈ કાર્યવાહીની અપેક્ષા રાખવી અર્થહીન હશે.
વૈશ્વિક સંગઠિત અપરાધ સૂચિ અનુસાર, અફઘાનિસ્તાનની નજીક હોવાને કારણે પાકિસ્તાન ડ્રગની દાણચોરી માટે એક ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયું છે. અહીંથી અનેક દેશોમાં ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ મોકલવામાં આવે છે. ભારતે પણ ઘણા મંચો પર આ મુદ્દો ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, અફઘાનિસ્તાન મારફતે 2495 અબજ રૂપિયાનો ડ્રગ્સનો કાળો કારોબાર ચાલે છે. પાકિસ્તાનને ગેરકાયદે ડ્રગ્સના વેપારથી વાર્ષિક 166 અબજ રૂપિયાની કમાણી થાય છે.