દેશનાં 4 રાજ્ય, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીમાં કુલ 560 બેઠક માટે 5,764 ઉમેદવાર મેદાનમાં છે, તેમાંથી માત્ર 609 એટલે કે 11% મહિલાઓએ મેદાનમાં ઝંપલાવ્યું છે. 20 વર્ષમાં ચૂંટણી લડનારી મહિલાઓ 152% વધી છે અને તેનો સક્સેસ રેટ પુરુષો કરતાં 4% સુધી વધુ છે ત્યારે આ 4 રાજ્યના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે દેશના રાજકારણમાં હજી પણ મહિલાઓની ભાગીદારી ઘણી ઓછી છે. એટલું જ નહીં, જ્યાં મહિલાઓ ધારાસભ્ય રહી છે એ વિસ્તારોમાં વિકાસની ઝડપ પુરુષ ધારાસભ્યો કરતાં 15% સુધી વધુ રહી છે. વર્લ્ડ બૅન્ક, રાઇસ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરના સંયુક્ત અભ્યાસ પ્રમાણે જ્યાં મહિલાઓના અભ્યાસનું સ્તર સુધર્યું છે ત્યાં 10% વધુ મહિલાઓ ચૂંટણી લડવા અને તેમની જીતવાની સંભાવના 4 ગણી જેટલી વધી જાય છે. 1993થી 2004 દરમિયાન ચાલેલા ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ (ડીપીઈપી)ના વિશ્લેષણમાં આ પરિણામ જાણવા મળ્યું હતું. આ પ્રોગ્રામ દેશના કુલ 593માંથી 219 જિલ્લામાં યોજાયો હતો કારણ કે ત્યાં મહિલા સાક્ષરતા દર રાષ્ટ્રીય સરેરાશ 40%થી પણ ઓછો હતો. આ અભ્યાસ માટે 1980થી 2007 વચ્ચે 16 રાજ્યના 3,473 ધારાસભ્યનો ડેટા ચકાસાયો હતો.