વર્ષ 2022 દરમિયાન વૈશ્વિક સ્તરે આર્થિક ચિત્ર ધૂંધળું રહ્યું હોવા છતાં ભારતના કોર્પોરેટ સેક્ટરમાં અનેક હસ્તાંતરણ જોવા મળ્યા હતા. સીમેન્ટ, રિટેલ, ફાર્માસ્યુટિકલ્સ અને ક્વિક કોમર્સ સેક્ટરને ઇન્ડસ્ટ્રીમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય કારોબાર જગતે બે અગ્રણી લીડર્સ પણ ગુમાવ્યા હતા. જેમાં એક તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેમજ હાર્ટ અટેકને કારણે ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું મૃત્યુ થયું હતું. વર્ષ 2022માં હસ્તાંતરણની દૃષ્ટિએ સીમેન્ટ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ લાઇમલાઇટમાં રહી હતી જ્યારે અદાણી જૂથે હોલ્સિમનું હસ્તાંતરણ કર્યું હતું જેમાં અંબુજા સીમેન્ટ અને ACC પણ સામેલ છે. અદાણી જૂથે સપ્ટેમ્બર દરમિયાન 6.4 અબજ ડોલરમાં અંબુજા સીમેન્ટ્સ અને ACCને હસ્તગત કરી હતી.
આ હસ્તાંતરણ સાથે અદાણી ગ્રૂપે સીમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કરતાં જ આદિત્ય બિરલા ગ્રૂપ ફર્મ અલ્ટ્રાટેક સીમેન્ટ બાદ બીજી સૌથી મોટી સીમેન્ટ કંપની બની હતી. અગાઉ અલ્ટ્રાટેક સીમેન્ટે માર્કેટમાં પકડ બનાવી રાખવા માટે રૂ.13,000 કરોડની વિસ્તરણ યોજનાની જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં દેવા તળે દબાયેલા જેયપી ગ્રુપે રૂ.5,666 કરોડમાં તેના સીમેન્ટ બિઝનેસને દાલમિયા સીમેન્ટ (ભારત) લિમિટેડને વેચવાની જાહેરાત કરી હતી. આ સાથે જ સીમેન્ટ સેગમેન્ટમાંથી JP ગ્રુપે એક્ઝિટ કરી હતી.