શહેર માટે અત્યંત મહત્વાકાંક્ષી ગણાતા ડાયમંડ બુર્સની શરૂઆતના ઉત્સાહ વચ્ચે આવકવેરા વિભાગે ડાયમંડ ઉદ્યોગ પર સકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લાં બે વર્ષમાં શહેરની અનેક ડાયમંડ કંપનીઓ પર હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં અનેક શંકાસ્પદ એન્ટ્રીઓ સામે આવતાં તેના ક્રોસ વેરિફિકેશન માટે અનેક વેપારી-ઉદ્યોગપતિઓને અંદાજે 5 હજાર જેટલી નોટિસો ઇશ્યુ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે, જેમાં સુરત અને મુંબઇના વેપારીઓનો સમાવેશ થાય છે.
અનેક વેપારીઓને સમન્સ પણ અપાયા છે અને આગામી સમયમાં આ તમામના સ્ટેટમેન્ટ પણ લેવાશે. અંદાજે બે હજાર કરોડ સુધીના વ્યવહારો એક રીતે આઇટીના રડાર પર આવી ગયા છે. એવા ડાયમંડ વેપારીઓનું ટેન્શન વધી ગયું છે જેમણે રોકડમાં ધંધો બતાવ્યો છે. કેમ કે તેના પર 100 ટકા જેટલી પેનલ્ટી લાગે છે. આ અંગે સી.એ. તિનિશ મોદી કહે છે કે, ક્રોસ વેરિફિકેશમાં જે એન્ટ્રીઓ ડિપાર્ટમેન્ટના હાથમાં લાગે છે તેની ખરાઈ સામેની પાર્ટી પાસે કરવામાં આવે છે. આ એન્ટ્રીઓ બોગસ નથી તેની તપાસ કરવામાં આવતી હોય છે.