દેશમાં ડૉક્ટરની વસતીનો ગુણોત્તર 1:834 થઇ ગયો છે. એટલે કે 834 લોકો વચ્ચે માત્ર એક ડૉક્ટર છે. મંગળવારે રાજ્યસભામાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં રજિસ્ટર્ડ એલોપેથિક ડૉક્ટર 13.08 લાખ છે, જે કુલ ડૉકટર્સના 80% છે. જ્યારે, આયુષ ડૉક્ટર 5.65 લાખ છે. તદુપરાંત 36.14 લાખ નર્સિગ કર્મી છે, જેનાથી નર્સ-વસતીનો ગુણોત્તર 1:476 થઇ ગયો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં મેડિકલ કોલેજની સંખ્યા વધીને 706 થઇ ચૂકી છે. 2014માં દેશમાં 387 મેડિકલ કોલેજ હતી. તેમાં 82%ની વૃદ્ધિ થઇ છે. તેનાથી MBBS સીટો 2014ની 51,348થી 11%ની વૃદ્ધિ સાથે હવે 1,08,940 થઇ ચૂકી છે. પીજી સીટો 2014થી પહેલા 31,185થી વધીને 127% થઇ ચૂકી છે અને હવે તેની સંખ્યા 70,674 થઇ ચૂકી છે.
પરાળી સળગાવવાની ઘટના 54% ઘટી
આ વર્ષે પરાળી સળગાવવાની ઘટના 54% ઘટી છે. કૃષિ મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે પરાળી સળગાવવાને મામલે સેટેલાઇટ રિમોટ સેન્સિંગ સિસ્ટમથી નજર રખાઇ રહી હતી. તેનાથી જાણવા મળ્યું કે પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 2022ના 11,461 કેસની તુલનામાં ગત 15 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબરની વચ્ચે પરાળી સળગાવવાના 6391 કેસ નોંધાયા હતા.