બામણબોર ગામેથી 16 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર પરપ્રાંતીય શખ્સને એરપોર્ટ પોલીસે વેશપલટો કરી પંજાબથી ઝડપી લીધો છે અને તરુણીને મુક્ત કરી છે. માતા સાથે ફેક્ટરીમાં નોકરી કરતી તરુણી ત્રણ મહિના પહેલાં ભેદી રીતે ગુમ થઇ હતી. તપાસમાં પુત્રીને કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા મૂળ ઝારખંડના જિતેન્દ્ર દુખનકુમાર પાસવાન નામનો 34 વર્ષનો શખ્સ ભગાડી ગયાનું જાણવા મળતા એરપોર્ટ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને પગલે પોલીસે આરોપીના મોબાઇલના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી તરુણીને લઇ પંજાબના રૂપનગરમાં હોવાની માહિતી મળી હતી. જેથી પીએસઆઇ એ.કે.રાઠોડ સહિતની ટીમ તુરંત પંજાબ પહોંચી ગઇ હતી. પોલીસ ટીમે વેશપલટો કરી આરોપી જિતેન્દ્રની તમામ માહિતી અને તેની ગતિવિધિઓ જાણ્યા બાદ દરોડો પાડી જિતેન્દ્રને તરુણી સાથે પકડી પાડ્યો હતો. જિતેન્દ્ર તરુણીને લગ્ન વગર પત્ની તરીકે સાથે રાખતો હતો અને પંજાબમાં કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. જિતેન્દ્ર પરિણીત હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ જિતેન્દ્રે તરુણી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોય પોલીસે પોક્સોની કલમનો ઉમેરો કરી ધરપકડ કરી છે.