માલદીવમાં તાજેતરમાં સરકાર બદલાઈ છે અને ચીનના સમર્થક મોહમ્મદ મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા છે. જોકે તેમના આગમનથી ભારતની મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે. દરમિયાન, હિન્દ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે ચીન માલદીવને દેવાની જાળમાં ફસાવીને ગરીબ બનાવી રહ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચીને છેલ્લાં 8 વર્ષમાં અબજો ડોલરની લોન આપીને માલદીવને પોતાની ચુંગાલમાં ફસાવી લીધું છે.
આજે માલદીવ પર ચીનનું સૌથી વધુ 78% દેવું છે. ત્યારે માલદીવની હાલત એવી છે કે ચીને આપેલી લોન ચૂકવવા સક્ષમ નથી. આ કારણે માલદીવે 400 કરોડ ડોલર (લગભગ 3,330 કરોડ રૂપિયા)ના બદલામાં તેના 17 ટાપુ ચીનને 50 વર્ષ માટે લીઝ પર આપવા પડ્યા હતા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટાપુઓ પર્યટન વિકાસ માટે ચીને લીઝ પર લીધા છે પરંતુ ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર ચીન તેની સૈન્ય ગતિવિધિઓમાં તેનો ઉપયોગ કરશે. આ કારણે તેણે ટાપુઓનું ડ્રેજિંગ શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન ત્યાં સૈન્ય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતા હાઈસ્પીડ ઈન્ટરનેટ, પોર્ટ, એરપોર્ટ અને અન્ય પ્રોજેક્ટ્સમાં નાણાંનું રોકાણ કરી રહ્યું છે. આ રોકાણનો હેતુ ચીની સેનાની હિલચાલને સરળ બનાવવાનો છે.