જળક્ષેત્રમાં ચીન તરફથી મળી રહેલી ચીમકીઓ વચ્ચે ભારત હિન્દ મહાસાગરમાં અત્યાર સુધીની સૌથી મોટી વૉરગેમ યોજવા જઈ રહ્યું છે. તેમાં અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા સહિત 50 દેશની નૌસેના સામેલ થશે. 20 દેશ યુદ્ધજહાજ સાથે જોડાઈ રહ્યા છે.
નૌસેનાની ભાગીદારીના હિસાબે એ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ હશે. ભારતીય નૌસેના આઇએનએસ વિક્રમાદિત્ય અને આઇએનએસ વિક્રાંતની સાથે ઓછામાં ઓછા 30 જંગી જહાજ લઈને ઉતરશે. નોંધનીય છે કે ચીન હવે શ્રીલંકા, બાંગ્લાદેશ અને માલદીવમાં દરિયાઈ માર્ગે પોતાની પકડ મજબૂત કરવામાં જોતરાયું છે. ચીને હાલમાં જ પોતાનું એક સરવે જહાજ માલદીવ મોકલ્યું છે.
ભારતીય નૌસેનાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ યુદ્ધાભ્યાસનું નામ ‘મિલન-2024’ છે. તેને પૂર્વીય કમાન આયોજિત કરી રહ્યું છે. 19થી 27 ફેબ્રુઆરી સુધી ચાલનારા 9 દિવસના અભ્યાસમાં વિમાનવાહક જહાજ મહાસાગરમાં ઉતારશે.