ભારતીય મહિલા હોકી ટીમના કોચ જેનેક શોપમેને શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને પોતાનું રાજીનામું સોંપ્યું. ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય ન થઈ શકી તે પછી તેમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
4 દિવસ પહેલા નેધરલેન્ડ્સના કોચ શોપમેને કહ્યું હતું કે ભારતમાં મહિલાઓ માટે રહેવું મુશ્કેલ છે. અહીં મહિલા કોચ અને ખેલાડીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં હું ખૂબ જ એકલતા અનુભવતી હતી. હું એવા કલ્ચરમાંથી આવી છું જ્યાં મહિલાઓનું સન્માન અને વેલ્યૂ છે. મને અહીં એવું નથી લાગતું.
શોપમેન 2020માં ભારતીય ટીમ સાથે જોડાયા હતા
જેનેક શોપમેન 4 વર્ષ પહેલા 2020માં વિશ્લેષણાત્મક કોચ તરીકે ભારતીય ટીમમાં જોડાયા હતા. ટોક્યો ઓલિમ્પિક બાદ તેમને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા.
શોપમેનના કોચિંગ હેઠળ ભારતીય મહિલા હોકી ટીમના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમના હેડ કોચ બન્યા પછી, ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં બ્રોન્ઝ, એશિયન ગેમ્સ 2022માં બ્રોન્ઝ, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ અને મસ્કત એશિયા કપ-2022માં બ્રોન્ઝ જીત્યો હતો.