મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે શુક્રવારે (23 ફેબ્રુઆરી) સવારે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોહર જોશીને બુધવારે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેઓ ICUમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
મનોહર જોશી 1995 થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેઓ શિવસેના(ત્યારે અવિભાજિત)થી રાજ્યનાં સીએમ બનનાર પહેલાં નેતા હતા. જોશી 2002 થી 2004 સુધી વાજપેયી સરકારમાં લોકસભાના સ્પીકર હતા. તેઓ 2006 થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ પણ હતા.
જોશીનો જન્મ 2 ડિસેમ્બર 1937ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના નાંદવીમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ મુંબઈથી પૂરો કર્યો. પછી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. જોશી 1967માં રાજકારણમાં આવ્યા હતા. તેઓ 40 વર્ષથી વધુ સમયથી શિવસેના સાથે જોડાયેલા હતા.
જોશી 1968-70 દરમિયાન મુંબઈમાં મ્યુનિસિપલ કાઉન્સિલર અને 1970માં સ્ટેન્ડિંગ કમિટિ (મ્યુનિસિપલ કૉર્પોરેશન)ના અધ્યક્ષ હતા. તેઓ 1976-77 દરમિયાન મુંબઈના મેયર પણ હતા. આ પછી, તેઓ 1972 માં મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ચૂંટાયા.
વિધાન પરિષદમાં ત્રણ ટર્મ સેવા આપ્યા બાદ જોશી 1990માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ 1990-91 દરમિયાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ હતા. જોશી 1999ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાની ટિકિટ પર મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા.