તૈયાર ભોજન, ખાંડથી રસબસતી વાનગી કે પછી બ્રેડ, આ બધાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે પરંતુ આ ખાદ્યપદાર્થો ખાવાથી કૅન્સર, ટાઇપ-ટુ ડાયાબિટીસ અને મેન્ટલ ડિસઑર્ડર સહિતની 32 બીમારીઓ ઘર કરી જાય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં મોટે ભાગે ચરબી, મીઠું અને ખાંડનું પ્રમાણ વધુ પડતું હોય છે અને વિટામિન્સ અને ફાઇબર નહીં જેટલાં. એટલે હૃદયરોગનો હુમલો કે સ્ટ્રોકથી મૃત્યુ થવાનું જોખમ પણ 50 ટકા વધુ હોય છે.
અમેરિકાની યુનિવર્સિટીએ 10 લાખ લોકોની ખાણીપીણી, રહેણીકરણી અને સ્વાસ્થ્યની ખણખોદ કરી તેમાં જાણવા મળ્યું કે વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડ ખાનારા લોકોને હૃદયરોગથી મૃત્યુનું જોખમ 40થી 66 ટકા વચ્ચે છે. આ લોકોમાં સ્થૂળતા, ફેફસાં અને ઊંઘની સમસ્યાની પણ શક્યતા જોવા મળી હતી. આપણે ઘરે બનાવેલા ખોરાકમાં કૅમિકલ, કલર, સ્વીટનર્સ અને પ્રીઝર્વેટિવ્સ જેવી વસ્તુઓ નથી ઉમેરતા, તેનો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ભરપૂર ઉપયોગ કરાતો હોવાથી સંશોધકોએ આ ફૂડની સરખામણી તમાકુ સાથે કરી છે.
સિગારેટના પૅકેટમાં જે રીતે ચેતવણી આપવાનું ફરજિયાત કરાયું છે એ જ રીતે આવા ખોરાક માટે પણ જાહેર નીતિઓ અને પગલાં લેવા સૂચન કર્યું છે. આરોગ્ય વિભાગે આ માટે માર્ગદર્શિકા બહાર પાડવા પણ સૂચવ્યું છે. પૅકિંગ પર ‘અલ્ટ્રા પ્રોસેસ્ડ’નું લેબલ લગાડવા પણ સૂચન કરાયું છે.