સુપ્રીમકોર્ટે સાંસદો અને ધારાસભ્યોના ગૃહમાં ભ્રષ્ટાચાર આચરવાના મળેલા વિશેષાધિકારનું કવચ તોડી નાખ્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની 7 સભ્યની બંધારણીય બૅન્ચે ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું હતું કે જો કોઈ સાંસદ કે ધારાસભ્ય લાંચ લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપે તો તેની સામે કોર્ટમાં ક્રિમિનલ કેસ થઈ શકે છે. લાંચ લેવી એ સંસદ કે વિધાનસભાઓના વિશેષાધિકારના ક્ષેત્રમાં આવતું નથી.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચન્દ્રચૂડના વડપણ હેઠળની બૅન્ચે આ વિશેષાધિકાર અંગે 1998માં આપેલો ચુકાદો પણ પલટી નાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે 5 સભ્યની બંધારણીય પીઠનો એ ચુકાદો અનુચ્છેદ 105, 194નો વિરોધાભાસી છે. અનુચ્છેદોના આધારે સાંસદો-ધારાસભ્યો ગૃહમાં કહેલી કોઈ વાત કે વોટ માટે કોર્ટમાં જવાબ આપવા બંધાયેલા નથી પરંતુ તેનાથી તેઓને લાંચ લેવાથી મુક્તિ નથી મળતી.
સંસદ કે વિધાનસભાઓમાં કહેવાયેલી કોઈ પણ વાત, હોબાળો કે અભદ્ર વ્યવહાર કરનારા સભ્યો વિરુદ્ધ એફઆઇઆર કે કોર્ટ કેસ થઈ શકતો નથી પરંતુ સભ્ય કોઈ વ્યક્તિવિશેષ વિરુદ્ધ ગૃહ બહાર વાંધાજનક ટિપ્પણી કે અભદ્ર વ્યવહાર કરે તો માનહાનિનો કેસ થઈ શકે છે. આ રીતે, સત્ર દરમિયાન કોઈ સભ્યની ધરપકડ થઈ ન શકે. સત્રની શરૂઆતથી 40 દિવસ પહેલાં સુધી ધરપકડ ન થઈ શકે. સંસદ પરિસરમાં સભ્યની ધરપકડ કરવા કે સમન્સ આપવા માટે અધ્યક્ષ કે સ્પીકરની પરવાનગી જરૂરી છે. સાથે જ જો કોઈ સભ્ય ગૃહમાં જઈ રહ્યા હોય ત્યારે તેમને રસ્તામાં અટકાવવા, એ પણ વિશેષાધિકારનું હનન છે.
આ ચુકાદાએ રાજકીય પક્ષોને એક એવું શસ્ત્ર આપ્યું છે, જે તેમને દગો આપનારા સભ્યોને પાઠ ભણાવવામાં મદદ કરશે. પક્ષ એ સભ્ય વિરુદ્ધ પોલીસમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે. બાગી સભ્યોને કાયદાની મદદથી પાઠ ભણાવવાનું સરળ બનશે.