7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલા બાદ શરૂ થયેલા સંઘર્ષે સમગ્ર મિડલ-ઈસ્ટને ઘેરી લીધું છે. તાજેતરમાં ઈરાને ઈઝરાયલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલોથી સીધો હુમલો કર્યો હતો. આ હુમલા બાદ અમેરિકા સહિત દુનિયાના દબાણને લીધે ઈઝરાયલ અને ઈરાને યુદ્ધ આગળ વધે નહીં તેવા સંકેત ભલે આપ્યા પરંતુ બંને દેશોએ પોતપોતાના સ્તરે વધુ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાના અહેવાલો છે.
ઈઝરાયલની યુદ્ધ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ઈરાનને યોગ્ય જવાબ આપવામાં આવશે, પરંતુ જવાબની પદ્ધતિ અને સમય ઈઝરાયલ જ નક્કી કરશે. આ હુમલા બાદ ઈરાને કહ્યું કે સીરિયામાં તેના દૂતાવાસ પર 1 એપ્રિલે થયેલા હુમલામાં માર્યા ગયેલા કમાન્ડરનો બદલો પૂર્ણ થઈ ગયો છે. અમેરિકાએ પણ ઈઝરાયલને ઈરાન પર જવાબી કાર્યવાહી કરતું રોકી દીધું.
ઈરાનના વિદેશમંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાએ કહ્યું છે કે તેમનો દેશ ભારતીય અધિકારીઓને 17 ભારતીય ક્રૂ મેમ્બર્સને મળવાની મંજૂરી આપશે જેમને ઈરાનની સેનાએ શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકથી પકડી પાડ્યા હતા. ઈરાન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર અમીર-અબ્દુલ્લાહિયાને રવિવારે ટેલિફોન પર વાતચીત દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરને આ માહિતી આપી હતી. વાતચીતમાં જયશંકરે પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ એમલી એરીઝ પર સવાર ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવા જણાવ્યું હતું. જયશંકરે 17 ભારતીય ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ સંબંધમાં ઈરાન પાસેથી મદદની વિનંતી કરી હતી