હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલે કોઈપણ યુદ્ધવિરામનો ઈનકાર કર્યો છે. હકીકતમાં યુએન અને કેટલાક અન્ય દેશો યુદ્ધવિરામની માગ કરી રહ્યા છે, જેથી ગાઝાપટ્ટીમાં માનવતાવાદી સહાય પહોંચાડી શકાય. આ સિવાય ગાઝામાં ફસાયેલા વિદેશી નાગરિકોને બહાર કાઢીને ઈજિપ્ત લઈ જવાની યોજના હતી.
રાહત સામગ્રી વહન કરતી ઘણી ટ્રકો હાલમાં ઇજિપ્ત-ગાઝા સરહદ પર ફસાયેલી છે. ઈઝરાયલની સેના અહીં બોમ્બમારો કરી રહી છે, જેના કારણે રાહત સામગ્રી ગાઝા સુધી પહોંચી રહી નથી. ગાઝાપટ્ટીની અંદર અને બહાર જવાનો એક જ રસ્તો છે. એને રાફા ક્રોસિંગ કહેવામાં આવે છે. ઈઝરાયલનું આના પર કોઈ નિયંત્રણ નથી. તે મંગળવારથી બંધ છે, કારણ કે ઇઝરાયલની વાયુસેના અહીં હુમલો કરી રહી છે.
શનિવારે એક અમેરિકન અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું કે ઇઝરાયલ ગાઝામાં ફસાયેલા અમેરિકન નાગરિકોને રફાહ ક્રોસિંગ દ્વારા બહાર કાઢવા માટે સંમત છે. બાદમાં ઈઝરાયલે આ અહેવાલને નકારી કાઢ્યો હતો.