અમેરિકાના મેરીલેન્ડમાં કાર્ગો જહાજ સાથે અથડાયા બાદ 'ફ્રાન્સિસ સ્કોટ કી' પુલ તૂટી પડ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ ઘટના અમેરિકન સમય અનુસાર સવારે લગભગ 1.30 વાગ્યે બની હતી. પુલ સાથે અથડાયા બાદ જહાજમાં આગ લાગી હતી. આ સિંગાપોર ફ્લેગવાળું જહાજ શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું.
શિપ મેનેજમેન્ટ કંપની સિનર્જી મરીન ગ્રૂપે જણાવ્યું હતું કે 2 કેપ્ટન સહિત તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા. તેમાંથી કોઈને ઈજા થઈ નથી. બ્રિજ સાથે જહાજ અથડાવાને કારણે કોઈપણ પ્રકારનું પ્રદૂષણ પણ નથી થયું.
22 એપ્રિલે શ્રીલંકા પહોંચવાનું હતું. જહાજનું નામ ડાલી હોવાનું કહેવાય છે. પુલ ધરાશાયી થવાને કારણે અનેક વાહનો અને તેના પર હાજર લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7 લોકો ગુમ છે, 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. જ્યારે જહાજના કર્મચારીઓ સુરક્ષિત છે.