રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. બે કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દેતાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યાથી પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સૌથી વધારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા અને મેમકો વિસ્તારમાં પડ્યો હતો. જ્યારે ઓઢવ અને રખિયાલમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શરૂ થયેલો વરસાદ બે કલાક સુધી અવિરત ચાલુ રહ્યો હતો. શહેરના વિરાટનગર, ઓઢવ, રખિયાલ, સૈજપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપૂરા, વાડજ, આશ્રમ રોડ પર પણ બે ઇંચ વરસાદ પડ્યો હતો. રાણીપ, ચાંદખેડા, પાલડી, એલીસબ્રીજ, દુધેશ્રર, જમાલપુર, શાહપુર, ઠક્કરનગર, નિકોલમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
પશ્ચિમ વિસ્તારના બોપલ, સરખેજ, જોધપુર, મક્તમપુરા, બોડકદેવ, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ નરોડા, મેમકો, ઉસ્માનપુરા, આશ્રમરોડ, પાલડી, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાં પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વહેલી સવાર સુધી પાણી ભરાયેલા હતા.