આસો અને કારતક મહિનાને તિથિ-તહેવારની દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિનાઓમાં પુષ્ય નક્ષત્ર, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ્ઠ પૂજા, દેવઊઠી એકાદશી જેવા મોટા તિથિ-તહેવાર આવે છે. આ મહિનાઓમાં ગણેશજી, વિષ્ણુ-લક્ષ્મી, ધનવંતરિ, ગોવર્ધન પર્વત, છઠ્ઠ માતા, સૂર્યદેવ સાથે જ કાર્તિકેય સ્વામીની પણ પૂજા કરવી જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ બંને મહિના દરમિયાન રોજ સવારે જલ્દી જાગવું જોઈએ. આ દિવસોમાં નદી સ્નાન કરવાની પરંપરા છે. ઘણાં લોકો નદીમાં દીપદાન પણ કરે છે. દિવાળી પછી એટલે કે 26 ઓક્ટોબરથી કારતક મહિનો શરૂ થઈ જશે. આ મહિનાનું નામ કાર્તિકેય સ્વામીના નામ પરથી પડ્યું છે.
શિવ-પાર્વતીના લગ્ન પછી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. પછી કાર્તિકેય સ્વામીએ જન્મના થોડા સમય પછી જ તારકાસુરનો વધ કરી દીધો હતો. તે સમયે કારતક મહિનો ચાલી રહ્યો હતો. તારકાસુરનો વધ કર્યા પછી શિવ-પાર્વતી કાર્તિકેય સ્વામીથી ખૂબ જ પ્રસન્ન થયાં. શિવજીએ પ્રસન્ન થઈને આ મહિનાનું નામ કારતક રાખ્યું. આ મહિનામાં સ્વામી કાર્તિકેયની પૂજા ખાસ કરવી જોઈએ. આ સમયગાળામાં કરવામાં આવતા પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે.