બાજી પલટી રહી છે. યુક્રેની સૈન્યએ યુદ્ધના 200 દિવસ પૂરા થતા જ મોટો વળતો પ્રહાર કર્યો છે. યુક્રેને 24 કલાકમાં જ રશિયાના કબજામાંથી 20 શહેરો મુક્ત કરાવી લીધાં. હવે ફક્ત દક્ષિણ ડોનબાસમાં જ રશિયાનો કબજો બચ્યો છે. યુક્રેન સરકારના પ્રવક્તાએ સોમવારે કહ્યું કે ખારકીવમાં રશિયાનું સૈન્ય સરેન્ડર કરવા તૈયાર છે.
યુક્રેનના મોરચે રશિયાના સૈન્યને નબળું પડતું જોઈ રાષ્ટ્રપતિ પુટિન ઘરમાં જ ઘેરાઈ ગયા છે. રશિયાની સંસદમાં પુટિનની પાર્ટીના સર્ગેઈ મિરોનોવે આરોપ મૂક્યો કે ખોટા નિર્ણયોને લીધે રશિયાનું સૈન્ય યુક્રેનના મોરચે જીતી ના શક્યું. પુટિનના કટ્ટર સમર્થક મિરોનોવે કહ્યું કે યુક્રેનમાં જ્યારે રશિયાના સૈનિકો શહીદ થઈ રહ્યા છે ત્યારે મૉસ્કો ડે મનાવવાની કોઈ જરૂર નહોતી. સેન્ટ પીટર્સબર્ગ અને વોલ્ગોગ્રાદમાં પુટિન વિરુદ્ધ દેખાવો થયા હતા.
કમાન્ડરોએ પુટિનને ગેરમાર્ગે દોર્યા, એટલા માટે પરાજય: રમઝાન
રશિયાના સૈન્યના સમર્થનમાં યુક્રેન સામે લડી રહેલા ચેચન સૈન્ય કમાન્ડર રમઝાન કાદયારોવે કહ્યું કે પૂર્વ મોરચે પરાજય મોટો આંચકો છે. રમઝાને આરોપ મૂક્યો કે રશિયાના કમાન્ડરોએ પુટિનને યુક્રેનના મોરચે ગેરમાર્ગે દોર્યા છે. પુટિનને રશિયાના સૈન્યની મજબૂત સ્થિતિ વિશે ખોટી માહિતી અપાઇ રહી છે.
ગેમ ચેન્જર: યુક્રેની સૈન્યએ અમેરિકી હાર્મ મિસાઈલથી રશિયન રડાર નષ્ટ કર્યા
ખારકીવ સહિત પૂર્વ વિસ્તારોમાં યુક્રેની સેના અમેરિકી હાર્મ મિસાઈલથી રશિયાના સૈન્ય પર કેર વર્તાવી રહી છે. ફાઈટર જેટથી ઝીંકાતી આ હાઈસ્પીડ એન્ટિ રેડિયેશન મિસાઈલ 2300 કિ.મી. પ્રતિકલાકની ઝડપે શત્રુઓના રડાર પર હુમલો કરે છે. અમેરિકાએ યુક્રેનને આવી 1200 મિસાઈલો આપી છે.