અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનની ચેતવણી બાદ ઈઝરાયલનું વલણ ઠંડુ પડી ગયું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ઇઝરાયલના એક અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા કેબિનેટે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ પ્રથમ વખત ઉત્તરી ગાઝા વચ્ચે ઇરેઝ ક્રોસિંગને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. આ સાથે વધુ પુરવઠો પહોંચાડવામાં મદદ કરવા માટે ઇઝરાયલ પોર્ટ એશદોદના ઉપયોગને પણ મંજૂરી અપાઈ છે. જોકે, જાહેરાતમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું કે કઈ વસ્તુઓને કેટલી માત્રામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
આ પહેલાં વ્હાઇટ હાઉસમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું કે આ બે સિવાય ઇઝરાયલ જોર્ડન તરફથી મદદ વધારવા માટે સંમત થયું છે.
ઈઝરાયલ અને ઉત્તરી ગાઝા વચ્ચે ઈરેઝ બોર્ડર ચેકપોઈન્ટ છે. તેના પર હમાસ દ્વારા 7 ઓક્ટોબરે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી ઇઝરાયલે તેને ફરીથી ખોલવાનો ઇનકાર કર્યો હતો. આ હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેને ફરીથી ખોલવા પર સંયુક્ત રાષ્ટ્રે સાવચેતીપૂર્વક સ્વાગત કર્યું. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગાઝામાં મૃત્યુઆંક વધીને 33,000ને પાર પહોંચ્યો છે.