રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજ રોજ 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટના તરઘડી ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધ્વજવંદન કર્યું હતું. આજે રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેશભક્તિના રંગમાં રંગાયેલા વિદ્યાર્થીઓએ ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમોમાં ચાલુ વરસાદમાં પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા હતા.
વાઘાણીએ ગુજરાતીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી
જીતુ વાઘણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે કે રેન્જ IG સંદીપસિંહ, કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તરઘડી ખાતે વરસાદી વાતાવરણ વચ્ચે પણ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિ રજૂ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ ગુજરાતવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. તો સાથોસાથ રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓના પગારમાં તેમજ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જે 3% નો વધારો કર્યો છે તે બદલ પણ શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટમાં ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાઇ
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની રાજકોટમાં ઉજવણી કરવામાં આવી હતી. 76માં સ્વતંત્રતા પર્વની શહેરના ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. અધિક કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસ, NCC સહિત વિવિધ ટુકડીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ કરી હતી. તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ પોલીસે ચાલુ વરસાદમાં પરેડ યોજી હતી. તો વિદ્યાર્થીઓએ પલળતા પલળતા પોતાની કૃતિઓ રજૂ કરી હતી.
રાજકોટમાં હિન્દુ-મુસ્લીમ સમાજે સાથે ઉજવણી કરી
રાજકોટમાં 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, તેમજ આજ રોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શહેરના ફૂલછાબ ચોક ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા કરવા આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ દેશમાં ભાઈચારો બની રહે તેવી દુવા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.