રાજકોટ શહેરમાં એકથી એક વસ્તુ ચઢિયાતી છે અને રંગીલા રાજકોટવાસીઓ છાશના ગ્લાસના પણ 150 રૂપિયા દેતા અચકાતા નથી તેથી જ મોંઘાદાટ ખાદ્ય પદાર્થો વેચતી પેઢીના ઢગલા છે. સારી વસ્તુ મળે તેવી અપેક્ષા હોય છે પણ શહેરમાં એવા ઘણા સ્થળો છે જ્યાં ઘણી ઊંચી કિંમત ચૂકવવા છતાં ગુણવત્તામાં બાંધછોડ થાય છે. આવો વધુ એક કિસ્સો યાજ્ઞિક રોડ પરથી મળ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એન.એસ. નામની મિલ્કશેક અને અન્ય પીણા વેચતી પેઢીમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પેઢીના સ્ટોરેજ રૂમમાંથી એક્સપાયરી ડેટ વીતી ગયેલી 4 થેલી દૂધની મળી આવી. જેથી આ ચારેય થેલીનું કુલ 20 લિટર દૂધ માનવ આહાર માટે અયોગ્ય ગણીને તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત સ્થળ પર ગંદકી જોવા મળતા યોગ્ય સ્ટોરેજ તેમજ હાઈજિનિક કન્ડિશન જાળવવા માટેની નોટિસ પણ ફટકારી હતી. આ ઉપરાંત મનપાએ કાલાવડ રોડ પર નકળંગ ટી સ્ટોલમાંથી ભૂકી તેમજ તૈયાર ચાના સેમ્પલ લેવાયા હતા. જ્યારે રેસકોર્સ રિંગ રોડ પર એસ.વી. એન્ટરપ્રાઈઝમાંથી ભૂકી અને ચાના સેમ્પલ લેવાયા જોકે આ કોમ્પ્લેક્સમાં બે ચાની દુકાન છે પણ બ્રાન્ડના નામ લખવાને બદલે માત્ર ડીલરના નામ મનપાએ લખ્યા છે.