ઇઝરાયલ પર હમાસના આતંકી હુમલાને મંગળવારના દિવસે 200 દિવસ પૂર્ણ થઇ ગયા છે. ગાઝાના 23 લાખ પેલેસ્ટિનિયન નાગરિકોને ઇઝરાયલી નાકાબંધી અને સૈન્ય હુમલાની વચ્ચે દરરોજ બે ટંક ભોજન માટે પણ સંઘર્ષ કરવાની ફરજ પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ગાઝામાં મેમાં ભૂખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. ગાઝામાં સૌથી ખરાબ સ્થિતિ એ બાળકોની છે જે બાળકોએ યુદ્ધની વચ્ચે જન્મ લીધો છે. 17મી એપ્રિલ સુધી હોસ્પિટલોમાં કુપોષણથી 12 વર્ષથી ઓછી વયનાં 28 બાળકોનાં મોત થયાં હતાં.
મુહાન્નાદ અલ-નજ્જરનો જન્મ ગાઝા યુદ્ધ પહેલાં થયો હતો. ઉત્તર ગાઝામાં લડાઇના કારણે તેના પરિવારના સભ્યોને ખાન યુનિસમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. વિસ્થાપિત વ્યક્તિઓના કેમ્પમાં રોકાણ દરમિયાન પરિવાર રાહત સામગ્રી પર નિર્ભર હતો. બાળકને તાજો ખોરાક ન મળવાથી તે બીમાર પડી ગયો. હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. હવે બાળકે ખાવા-પીવાનું છોડી દીધું છે. તે દિવસમાં બે કપ પાણી સિવાય કંઈ ખાતો કે પીતો નથી. તેનું વજન અડધું થઈ ગયું છે અને તે હાડપિંજર જેવો દેખાય છે. તેની સ્થિતિ એવી છે કે તેના હાથમાંથી ટીપાં મૂકી શકાય તેમ નથી.
નૂર બરદા અને હેબા અરકાનનાં બાળક જેહાદનો જન્મ પાંચ મહિના પહેલાં અલ શિફા હોસ્પિટલમાં થયો હતો.આ દંપતીના તમામ પૈસા તો ખોરાક ખરીદવા માટે પહેલેથી જ ખતમ કરી દીધા હતા.જેથી બાળક માટે દૂધ પાઉડર ખરીદવા માતાએ સોનાના દાગીના વેચવા પડ્યા હતા.