રાજકોટની મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા રમેશભાઇ છાયા બોયઝ હાઇસ્કૂલમાં ધો.9થી 12માં કુલ 450 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે શાળાના સંચાલકો અને આચર્ય દ્વારા અરવિંદભાઇ મણીઆર રિસર્ચ સેન્ટરની ઓલ-અપ શિક્ષણ પદ્ધતિ પ્રાયોગિક ધોરણે દાખલ કરી તેનું પરિણામ આશ્ચર્યજનક જણાતા હવે શાળાના તમામ વિદ્યાર્થીઓ પણ આ પદ્ધતિથી શિક્ષણ મેળવે તેવો પ્રયાસ હાથ ધર્યો જેમાં સફળતા મળી. એટલે હવે આવતા સત્રથી રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા આ ગ્રાન્ટેડ શાળાના તમામ 450 વિદ્યાર્થીને ટેબ્લેટ આપવામાં આવશે.
આમ આ રાજકોટની સૌ પ્રથમ ગ્રાન્ટેડ શાળા હશે જ્યાં તમામ વિદ્યાર્થી ટેબ્લેટમાં ઓલ-અપ શિક્ષણ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરશે. આ માટે રાજકોટની અરવિંદભાઇ મણીઆર રિસર્ચ સેન્ટર દ્વારા તમામ પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓની હાજરી, ટેબ્લેટ પર ક્યાં વિષયનો કેટલા સમય અભ્યાસ કરે છે. તેમાંથી કેટલું ઝડપથી સમજી શકે છે. તે સહિતની તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. તેમજ દરેક વિદ્યાર્થીઓ ટેબ્લેટ ઘરે લઈ જઈ શકે છે તેથી તેઓ સ્કૂલમાં ગેરહાજર હોય તો પણ અભ્યાસ કરી શકે છે અને ટેબ્લેટમાં પેરેન્ટિંગ કંટ્રોલ કરેલા હોવાથી કોઈપણ વિદ્યાર્થી ટેબ્લેટનો બીજો કોઈ ઉપયોગ કરી શકશે નહીં જેમ કે ઇન્ટરનેટ, વાઇફાઇ અને સોશિયલ મીડિયાની તમામ એપ્લિકેશન બધું જ બ્લોક કરેલું હોય છે. અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટરના વિઝનરી ટ્રસ્ટી અને ઓલ-અપ શિક્ષણના પ્રણેતા હર્ષલભાઈ મણીઆરના વર્ષોના રિસર્ચ અને મહેનતની ફળશ્રુતિ સ્વરૂપ ઓલ-અપ શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી છે.