આફ્રિકન દેશ કેન્યાએ ઉગ્ર દેખાવો અને હિંસા બાદ નવું ટેક્સ બિલ પાછું ખેંચી લીધું છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ સ્ટેટ હાઉસમાંથી બિલ પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. નવા ટેક્સ બિલના વિરોધમાં મંગળવારે કેન્યામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ સંસદની બહારના બેરિકેડ્સને ઓળંગીને અંદર પ્રવેશ્યા, જ્યાં સાંસદો બિલ પર ચર્ચા કરી રહ્યા હતા. આ પછી વિરોધીઓએ સંસદમાં આગ લગાવી દીધી હતી.
આ દરમિયાન પોલીસ ગોળીબારમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 31 લોકો ઘાયલ થયા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ પ્રદર્શનમાં મોટાભાગે યુવાનોએ ભાગ લીધો હતો. સંસદમાં હિંસા દરમિયાન સાંસદોને ભૂગર્ભ સુરંગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વિરોધીઓએ સંસદ પરિસરમાં પણ તોડફોડ કરી હતી.
કેન્યામાં ભારતીય દૂતાવાસે પણ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ભારતીયોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને હિંસાના સ્થળોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એમ્બેસી સાથે પણ સતત સંપર્કમાં રહેવા માટે પણ જણાવાયું છે.