અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો ધમધમાટ છે, પરંતુ આ ચૂંટણીની ચર્ચા કરતા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના સ્વાસ્થયની વધુ ચર્ચા થઇ રહી છે. રાષ્ટ્રપતિ પદની ડિબેટમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનનું પ્રદર્શન એટલું સારું નહોતું. તે તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નબળા દેખાયા. હવે બાઇડનની પોતાની પાર્ટીના નેતાઓ આ અંગે તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે. સાથે જ ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા પણ કહી રહ્યા છે. દરમિયાન, એક માગ એ પણ આવી કે બાઇડનનો કોગ્નિટિવ ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે. કોગ્નિટિવ ટેસ્ટને સામાન્ય શબ્દોમાં સમજીએ તો આ એક સોચ-સમજની કસોટી છે, જેમાં મગજના કાર્યો જેવા કે વિચારવું, શીખવું, યાદ રાખવું અને ભાષાનો ઉપયોગનો સમાવેશ થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન 81 વર્ષના થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી તેમની શારીરિક અને માનસિક શક્તિ અંગે સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ 27 જૂને યોજાયેલી રાષ્ટ્રપતિની ડિબેટ બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો હતો કે શું બાઇડને કોગ્નિટિવ ટેસ્ટ કરાવવો જોઈએ. હકીકતમાં, ડિબેટ દરમિયાન રાષ્ટ્રપતિ ઘણી વખત મૂંઝવણમાં દેખાયા, ત્યાં સુધી કે તેમના ચહેરા પર કોઈ હાવભાવ પણ ન હતા. તેમના હાથ-પગ બરાબર હલનચલન ન કરી શકતા હોવાનો મુદ્દો પણ ઘણી વખત ઉઠ્યો. હવે વિપક્ષી પાર્ટીએ તેમના કોગ્નિટિવ ટેસ્ટની સત્તાવાર માગ કરી છે.