ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન ચાલુ છે. પોલીસ અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) પણ એટલી જ ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે. રવિવારે પોલીસે તેહરાનની શરીફ યુનિવર્સિટીમાં દરોડો પાડ્યો હતો. હજારો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. આટલું જ નહીં દેશની કેટલીક શાળાઓમાં પણ દરોડા પાડ્યા હતા. સગીર વિદ્યાર્થીનીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઈટાલીના ટ્રાવેલ બ્લોગર સહિત કુલ 9 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ વચ્ચે 16 સપ્ટેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે પહેલી વાર સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામનેનું નિવેદન સામે આવ્યું છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સની પરેડ બાદ તેમણે સમગ્ર વિવાદનો ટોપલો અમેરિકા અને ઈઝરાયેલ ઉપર નાખ્યો હતો. ઉપરાંત, વિરોધ પ્રદર્શનમાં કુલ 96 લોકોના મોત થયા છે.
ઈરાનમાં 16 સપ્ટેમ્બરે મહસા અમિનીની મોરલ પોલીસની કસ્ટડીમાં મોત થઈ ચૂકી છે. તેણે 13 સપ્ટેમ્બરે હિજાબ ન પહેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, આ દેશમાં હિજાબ અને કડક પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા.