રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં છેલ્લા એક મહિનાથી ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે છેલ્લા મહિનાથી ખેડૂતોએ વાવેલા મોલને તડકો મળ્યો નથી. અને સતત ઝાપટારૂપી વરસાદથી ખેતરોમાં રેસ ફૂટી નીકળ્યા, એટલે કે જમીનમાં સતત ભેજવાળી જ રહી જેના કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા મોટા ભાગના પાક પીળા પડી ગયા છે. અને આવી જમીનોમાં ઉપજ થવાની શકયતા હવે નહિવત છે.જેથી ખેડૂતોના ચહેરા પરનું હાસ્ય વિલાયું છે.
સ્થાનિક ખેડૂતોએ નિરાશ વદને જણાવ્યું હતું કે જેને નિતારવાળી કે ફળદ્રુપ જમીન હશે તેને થોડી ઘણી ઉપજ થશે એટલે તેને પણ આઠ આની જેવી ઉપજ થશે. અને હળવા વરસાદને કારણે બોર, કૂવામાં પાણી ઉપર ચડ્યા નથી અને ભાદર ડેમ હજુ અડધાથી પણ ઓછો ભરાયો છે એટલે ઉપર એટલે શિયાળું પાકનું તો વિચારવાનું જ નથી. છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો છે જેને કારણે ખેડૂતોએ તહેવાર ઉપર પણ પાકને બચાવવા મોલની બાજુમાં ઊગી નીકળેલા ખળને નીંદવાનું કામ ચાલુ કરી દીધું છે. તેના કારણે થોડો ઘણો પાક બચાવી શકાય માટે મહેનત કરી રહ્યા છે.